• Gujarati News
  • National
  • Government Of Gujarat Will Provide Assistance Of 3,795 Crore, 56.36 Lakh Farmers Of 18 Thousand Villages.

કમોસમી વરસાદથી પીડિત ગુજરાતના 56.36 લાખ ખેડૂતોને રૂ.3795 કરોડનું પેકેજ, નુકસાન ન થયું હોય તો પણ વળતર મળશે

4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા ગામના ખેડૂતોને હેક્ટરદીઠ રૂ. 6800, બાકીનાને હેક્ટરે રૂ. 4000ની સહાય
  • તમામ ખેડૂત ખાતેદારોને મહત્તમ 2 હેક્ટર સુધીનું વળતર ચૂકવાશે, આ સહાય રકમ પાકવીમા ઉપરાંતની રહેશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના તમામ 18 હજાર ગામડાઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે.

SDRF પ્રમાણે સહાય આપી
આ અંગે જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અગાઉ સરકારે 700 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી પણ તે દરમિયાન કૃષિના નુકસાનનું સર્વેક્ષણ ચાલું હતું અને તે પછી પણ કરાં અને વરસાદ પડવાના વ્યાપક કિસ્સા ગુજરાતમાં નોંધાયાં હતાં, તેથી નુકસાનનો આંકડો વધ્યો હતો. ગુજરાત સરકારે એસડીઆરએફના નિયમો પ્રમાણે આ પેકેજ જાહેર કરીને આખાં રાજ્યના ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને 3795 કરોડ સહાય આપશે

કુલ રૂપિયા 3,795 કરોડમાંથી એસડીઆરએફ અંતર્ગત કેન્દ્રના બજેટના રૂપિયા 2,154 કરોડ અને રાજ્યના બજેટના 1,641 કરોડ રૂપિયા ચૂકવાશે. આ સહાય માત્ર સરકાર તરફથી મળેલા રાહત પેકેજ પ્રમાણે છે અને તેથી કૃષિપાકોને થયેલાં નુકસાન સામે મળનારી વીમાની રકમ અલાયદાં સ્વરૂપે વીમા કંપનીઓ પાસેથી ખેડૂતોને મળશે, તેમ પટેલે જણાવ્યું હતું. અગાઉ સરકારે આખા રાજ્યની કુલ 85 લાખ ખેતીલાયક જમીનોમાંથી 22 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું હોવાનું જાહેર કર્યું હતું પણ હવે કુલ અસરગ્રસ્ત વિસ્તારનો આ આંકડો જાહેર કરવાનું સરકારે માંડી વાળ્યું છે. જો કે સરકારે તેમ જણાવ્યું છે કે આખાં રાજ્યના 251 તાલુકાઓ પૈકી માત્ર અમદાવાદ, સૂરત અને જૂનાગઢ સિટી તાલુકા સિવાયના તમામ 248 તાલુકાના 18,369 ગામોના ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળશે.
ક્યાં કેટલી સહાય
- 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂ. 2,873 કરોડની સહાય અપાશે.
- 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂ. 238 કરોડની સહાય અપાશે.
- છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂ. 684 કરોડની સહાય અપાશે.
આ રીતે સહાય ચૂકવાશે  
- એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 9,416 ગામના 28.61 લાખ ખેડૂતો ખાતેદારોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં SDRFના ધોરણ અનુસાર હેક્ટર દીઠ 6800 રૂપિયા સહાય ચૂકવાશે.
-  જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ થયો હોય પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલા  ઓટોમેટિક વેધર સ્ટેશનના આંકડામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 1,676 ગામના 4.70 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રૂપિયા(વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે.
- એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે તેવા 1,676 ગામના 5.95 લાખ ખેડૂત ખાતેદારોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા(વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે. 
- છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા 5,814 ગામના 17.10 લાખ ખેડૂતોને  હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા(વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે.

ખેડૂતોને કેવી રીતે વળતર મળશે
સરકાર ટૂંક સમયમાં આ માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ ઊભું કરશે જેના પણ ખેડૂતે નુકસાન સામે વળતર મેળવવાની અરજી કરવાની રહેશે. આ પ્લેટફોર્મની જાહેરાત હવે પછી સરકાર કરશે. એસડીઆરએફના નિયમ મુજબ ખેડૂતની અરજી સામે જ સહાય આપવાની રહેતી હોવાથી ખેડૂતોએ દાવો રજૂ કરવો પડશે.

જેમના પાકને નુક્શાન નહીં તેમને વળતર કેમ?
જે ખેડૂતોના પાકને માવઠાને કારણે નુકસાન થયું નથી તેવાં ખેડૂતોને પણ સરકાર ઉદાર મત રાખી સહાય ચૂકવશે. આ પાછળ કારણ દર્શાવાયું છે કે પાક લઇ લીધાં પછી પણ વરસાદ પડ્યો હોઇ તેમાં કોહવાટ કે અન્ય કારણોસર ગુણવત્તાને નુકસાન પહોંચતું હોય છે. તેથી આવાં ખેડૂતોને ઉત્પાદનના વેચાણમાં નુકસાન સહન કરવું ન પડે તે માટે આ સહાય જાહેર કરાઇ છે.

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ: CM
દિવાળીના તહેવારો દરમિયાન મુખ્યમંત્રી તરીકે મેં રાજ્યના ખેડૂતોને એક વાયદો કર્યો હતો કે માવઠાને કારણે થયેલાં નુકસાન સામે અમારી સરકાર એસડીઆરએફના નિયમ મુજબ વળતર ચોક્કસ આપશે અને તે અમે પૂરો કર્યો છે.. અમે ગઇકાલ સુધીના કિસ્સામાં પણ ક્યાંય પણ વરસાદ પડ્યો હોય ને નુકસાન થયું હોય તો તેવા વિસ્તારોને પણ આવરી લેવાનું ઉદાર વલણ રાખ્યું છે. હું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં પાછલી કોઇપણ સરકારે આટલી ઉદારતાથી અને આટલું મોટું રાહત પેકેજ માવઠાના કિસ્સામાં ક્યારેય નહીં આપ્યું હોય. અત્યાર સુધીની સરકારોએ આપેલાં આવાં રાહત પેકેજનો કુલ સરવાળો પણ આટલો નહીં થતો હોય.