• Gujarati News
  • National
  • ISRO Vikram Lander Updates: Chandrayaan 2 ISRO Chief, K Sivan Vikram Lander On Lunar Surface & Orbiter Image

ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમની ભાળ મળી, ઓર્બિટરે તસવીરો લીધી; સંપર્ક કરવાના પ્રયાસ ચાલુઃસિવન

5 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનું લેન્ડીંગ શુક્રવાર-શનિવારે રાતે 1.53 વાગ્યે થવાનું હતું, ત્યારે 69 સેકન્ડ પહેલા લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો હતો
  • ઈસરોના ચેરમેન કે સિવનના જણાવ્યા પ્રમાણે, આગામી 14 દિવસ સુધી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું

નવી દિલ્હીઃ ISROને ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતી અંગે ભાળ મળી ગઈ છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરા દ્વારા તેની તસવીર લીધી છે. પરંતુ હજું તેનાથી કોઇ સંપર્ક થઇ શક્યો નથી. મળતી માહિતી પ્રમાણે, વિક્રમ લેન્ડર લેન્ડીંગની જગ્યાથી 500 મીટર દૂર લેન્ડ થયું છે. ચંદ્રયાન -2ના ઓર્બિટરમનાં લાગેલા ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાએ વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. 
7મી સપ્ટેમ્બરે ઇસરો અંતરિક્ષ વિજ્ઞાનમાં ઈતિહાસ રચવાથી થોડે દૂર હતું, પરંતુ ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમનો લેન્ડીંગથી અંદાજે 69 સેકન્ડ પહેલા પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમનું લેન્ડીંગ શુક્રવાર-શનિવાર રાતે 1 વાગ્યેને 53 મિનીટે થવાનું હતું, ત્યારબાદ ઇસરોના ચેરમેન સિવને કહ્યું કે, ભારતનું આ મિશન 99 ટકા સફળ થયું છે. ફક્ત છેલ્લા તબક્કામાં લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો હતો. 

વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતુંઃ સિવને જણાવ્યું કે, લેન્ડર વિક્રમની લેન્ડીંગ પ્રક્રીયા એકદમ બરાબર હતી. જ્યારે યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટીથી 2.1 કિમી દૂર હતું, ત્યારે તેનો સંપર્ક તૂટ્યો હતો. અમે ઓર્બિટર પાસેથી મળી રહેલા ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. છેલ્લા તબક્કામાં અમારો ફક્ત લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો હતો. હવે આગામી 14 દિવસ સુધી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. તેમણે એવું પણ જણાવ્યું કે, લેન્ડરે સોફ્ટ નહીં પણ હાર્ડ લેન્ડીંગ કર્યું હશે અને મોડ્યુલ પણ ડેમેજ થયું હોય એવું લાગી રહ્યું છે. 

હાર્ડ લેન્ડિંગને કારણે કદાચ વિક્રમ પલટાઈ ગયું
ઇસરોના વિજ્ઞાનીએ જણાવ્યું કે ‘વિક્રમ ચંદ્રને ટકરાયું અને પલટાઈ ગયું. કદાચ તે ઉંધુ પડ્યું છે. તેની તૂટી જવાની પણ આશંકા છે. ડેટાનું વિશ્લેષણ કરી ચકાસી રહ્યાં છે કે તેને કેટલું નુકસાન પહોંચ્યું છે.’  બીજી બાજુ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારવાના પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે ‘અમે ભવિષ્યમાં ઇસરો સાથે સૌમંડળના રહસ્યોને શોધવા માંગીએ છીએ.’

હવે આગળ શું?
જે ઓર્બિટર લેન્ડરથી અલગ થયું હતું , તે હજુ પણ ચંદ્રની સપાટીથી 119 કિમીથી 127 કિમીની ઊંચાઈ પર ફરી રહ્યું છે. 2,379 કિલોનું વજન ધરાવતા ઓર્બિટર સાથે 8 પેલોડ છે અને જે 7 વર્ષ સુધી કામ કરશે. એટલે કે લેન્ડર અને રોવરની સ્થિતી અંગે ભાળ નહીં મળે તો પણ મિશન ચાલુ રહેશે... 8 પેલોડના અલગ અલગ કામ હશે 

  • ચંદ્રની સપાટીનો નકશો તૈયાર કરવો. જેનાથી ચંદ્રના અસ્તિત્વ અને તેના વિકાસ અંગેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી શકાય
  • મેગ્નેશિયમ, એલ્યુમીનિયમ, સિલિકોન, કેલ્શિયમ, ટાઈટેનિયમ, આર્યન અને સોડિયમની હાજરીની જાણકારી મળી શકે
  • સૂર્યના કિરણોમાં રહેલા સોલર રેડિએશનની તીવ્રતાને માપવી
  • ચંદ્રની સપાટીની હાઈ રિઝોલ્યુશન તસવીરો લેવી
  • સપાટી પર ખાડા ટેકરાની જાણકારી મેળવવી જેથી લેન્ડરનું સોફ્ટ લેન્ડીંગ થઈ શકે
  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીની હાજરી અને ખનીજો અંગે જાણકારી મેળવવી
  • ધ્રુવીય વિસ્તારમાં ખાડામાં બરફના રૂપમાં જમા થયેલા પાણી અંગે માહિતી મેળવવી
  • ચંદ્રની બહારનું વાતાવરણ સ્કેન કરવું

અત્યાર સુધી 109 મૂન મિશનમાં 61% સફળઃનાસા
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ કહ્યું કે, છેલ્લા છ દાયકામાં ચંદ્ર પર મોકલવામાં આવેલા 61 ટકા મિશન જ સફળ થઈ શક્યા છે. 1958થી માંડી અત્યાર સુધી 109 મિશન ચંદ્ર પર મોકલવામાં આવ્યા છે, જેમાં ફક્ત 60 મિશન જ સફળ થઈ શક્યા હતા. રોવરની લેન્ડીંગમાં 46 મિશનને જ સફળતા મળી શકી છે અને સેમ્પલ મોકલવાની આખી પ્રક્રિયામાં સફળતા ફક્ત 21 મિશનને જ મળી છે. જ્યારે 2 આંશિકને સફળતા મળી હતી. લૂનર મિશનમાં પહેલી સફળતા રશિયાને 4 જાન્યુઆરી 1959માં મળી હતી.