• Gujarati News
  • National
  • Binsachivalay Exam Controversy: SIT To Submit Report To Gujarat CM, Exam May Be Canceled

બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદઃ આંદોલન કરનારા પરીક્ષાર્થીઓની જીત, ગેરરીતિ થયાનું સરકારે કબૂલ્યું

4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને અને ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં જોઈને જવાબો લખતા જોવા મળ્યા હતા - Divya Bhaskar
સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને અને ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં જોઈને જવાબો લખતા જોવા મળ્યા હતા

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને અંતે રાજ્ય સરકારે રદ કરી દીધી છે. આ પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતિઓ થઇ હોવાના છ લાખથી વધુ ઉમેદવારોના આક્ષેપોનો SITએ સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાની FSL દ્વારા પુષ્ટિ કરાતા SITએ આજે રાજ્ય સરકારને પોતાનો તપાસ અહેવાલ સુપરત કર્યો હતો અને આ પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ હતી. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની FSL દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને અને ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં જોઈને જવાબો લખતા જોવા મળ્યા હતા. પેપરલીક કરવામાં સંડોવાયેલા શખ્સો સામે ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાશે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ તપાસમાં જોડાશે.

દોષિતો સામે FIR થશે, ત્રણ વર્ષ સુધી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે નહીં
પ્રદીપસિંહે ઉમેર્યું હતું કે, આ પરીક્ષાઓમાં ચોરી થઈ હોવા બાબતે અત્યારસુધીમાં બનાસકાંઠા, ગીર સોમનાથ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત બીજા પણ જે પૂરાવા મળ્યા છે તેની સઘન તપાસ કરાશે. આ તપાસ દરમિયાન જે પણ ઉમેદવારે પરીક્ષામાં એકબીજાને પૂછીને કે મોબાઈલમાંથી જોઈને કે અન્ય રીતે ચોરી કરીને જવાબો લખ્યા હોવાનું માલૂમ પડશે તેમની સામે એફઆઈઆર નોંધાશે. આવા તમામ ઉમેદવારો પર રાજ્ય સરકાર દ્વારા લેવાતી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા બાબતે ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે.

પરીક્ષા ફરીથી લેવાની માંગ કરીશુંઃ યુવરાજસિંહ જાડેજા
આ મામલે પરીક્ષાર્થીઓના આગેવાન યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર પાસે આ પરીક્ષા ફરીથી લેવામાં આવે એવી માંગ કરીશું.જેને લઈ અમે આવતીકાલે (મંગળવાર) સરકારને મળીશું. પરીક્ષા લેવા મામલે પણ કેટલાક સૂચનો વિદ્યાર્થીઓ તરફથી મળ્યા છે અને એ સરકારને જાણ કરીશું.

નવી પરીક્ષાની તારીખ જલ્દીથી જાહેર થાયઃ ધ્રુવરાજસિંહ
સુરેન્દ્રનગર જિલ્લાના NSUI પ્રમુખ અને આ આંદોલનના આગેવાન ધ્રુવરાજ સિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘નવી પરીક્ષાની તારીખ જલ્દીથી જાહેર કરવામાં આવે  અને અમુક વિદ્યાર્થીની ઉંમર એક થોડા સમય માટે જતી રહે તેવો અન્યાય ન થવો જોઈએ. જૂની પરીક્ષા માટે વિદ્યાર્થી એ જે ફી ભરી છે કે અન્ય શહેર ગામડામાંથી આવ્યા હોય તેના વળતરની માંગ પણ કરીશું.’

પરીક્ષા બાદ 5 જિલ્લામાં ગેરરીતિની 39 ફરિયાદ આવી હતી
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટી ગયાના આક્ષેપો થયા બાદ રાજ્યના પાંચ જિલ્લામાંથી ગેરરીતિની કુલ 39 ફરિયાદ આવી હતી. પરીક્ષાર્થીઓના આગેવાનોએ રાજ્ય સરકારને તપાસ માટે 10 મોબાઈલ ફોન પણ આપ્યા હતા. આ તમામ મોબાઈલમાં પરીક્ષાનું પેપર ફૂટ્યાના તેમજ ચાલુ પરીક્ષામાં ગેરરીતિઓ થતી હોવાના પૂરાવા એકત્ર કરાયા હતા. SIT દ્વારા આ તમામ ફરિયાદો અંગે તપાસ કરવામાં આવી હતી અને અંતે રાજ્ય સરકારને પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ હતી.

ત્રણ દિવસ સુધી 5 હજારથી વધુ પરીક્ષાર્થીએ ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, આ પેપર ફૂટ્યાનું ફલિત થતાં જ રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ 4 ડિસેમ્બરથી ગાંધીનગરમાં એકત્ર થવા લાગ્યા હતા. પહેલા દિવસે તેમની પર લાઠીચાર્જ કરાયો હતો અને તેમના આગેવાન યુવરાજસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતનાને અટકમાં લેવાયા હતા. જો કે, 5 ડિસેમ્બરથી તો રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગર એકત્ર થવા લાગ્યા હતા અને તેમણે રાત્રે કડકડતી ઠંડીમાં પણ સચિવાલય પાસે બેસી રહીને વિરોધ દર્શાવ્યો હતો. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ કરવાની એક જ માગણી વારંવાર દોહરાવતા રાજ્ય સરકાર પર રીતસરનું પ્રેશર આવ્યું હતું.

CCTV અને વોટ્સએપ દ્વારા પેપર ફૂટ્યું હોવાની વાત સાચી સાબિત થઈ
આ દરમિયાન એસઆઇટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ઉમેદવારોએ આપેલી તમામ સીસીટીવી ફૂટેજ ક્લિપ ચકાસી હતી અને તેની ખરાઇ માટે એફએસએલને પણ મોકલી હતી. આ તપાસ દરમિયાન વિડીયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ થયું છે. તે સિવાય વિદ્યાર્થીઓએ સરકારને અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વોટ્સએપ મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યું હતું અને તે થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગયું હતું. એસઆઇટીએ આ બાબતની ખરાઇ કરતા તે પણ સાચી હોવાનું ફલિત થયું છે.

આ અગાઉ લાયકાતના મુદ્દે પરીક્ષા મોકૂફ રખાઇ હતી
આ અગાઉ આ પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત ધોરણ-12ને બદલે સ્નાતકની કરવા સરકારે પરીક્ષા મોકૂફ કરી નવી તારીખો જાહેર કરી હતી. પરંતુ તેમાં પણ પરીક્ષાર્થીઓએ સરકારના નિર્ણયનો વિરોધ કરતાં સરકારે તે જાહેરાત પણ રદ્દ કરી ભરતી માટે ધોરણ-12 પાસની લાયકાત યથાવત રાખી હતી. આમ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા સરકારે આ બીજી વખત રદ કરવી પડી છે.

શું છે મામલો
બિનસચિવાલય ક્લાર્કની ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા 17 નવેમ્બરે યોજાયેલી ભરતી પરીક્ષામાં ગુજરાતના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર સાત લાખ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્રીજી ડિસેમ્બરે આ પરીક્ષામાં ચોરી થઇ હોવાના પુરાવા સામે આવતાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરીક્ષા રદ્દ કરવાની માગ થઇ. તેની સામે ચોથી ડિસેમ્બરે સરકારે તપાસ માટે એસઆઇટીની રચના કરી તપાસ સોંપી હતી.

એ બધું જે તમે જાણવા માંગો છો પ્રશ્નઃ હવે પરીક્ષા ક્યારે લેવાશે? જવાબઃ પરીક્ષામાં વિલંબ થઇ શકે છે, સીટ પારદર્શક અને ગેરરીતિને અવકાશ ન હોય તેવી વ્યવસ્થા અંગે સૂચનો કરશે જેનો અભ્યાસ કરી સરકાર નિર્ણય લેશે તે પછી જ નવી પરીક્ષાનું આયોજન થઇ શકશે. પ્રશ્નઃ શું પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ જ લેશે? જવાબઃ હાલ પૂરતું તો સરકારે ગૌણ સેવાને જ પરીક્ષા સોંપવાનું નક્કી કર્યું છે, ગૌણ સેવાને જરૂરી તમામ મદદ સરકાર પૂરી પાડશે પ્રશ્નઃ નવેસરથી અરજી કરવી પડશે, ફી ભરવી પડશે? જવાબઃ ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની કે ફી ભરવાની જરૂર નહીં પડે, પરીક્ષાની જાહેરાત થયા બાદ કોલ લેટર માટે જાણ કરાશે પ્રશ્નઃ લાયકાતના ધોરણ બદલાશે કે તે જ રહેશે? જવાબઃ સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવાની સાથે જ જે લાયકાતના ધોરણે પરીક્ષા લેવાઇ હતી તે જ ધોરણે નવી પરીક્ષા લેવાનો પણ નિર્ણય કર્યો છે પ્રશ્નઃ આ પરીક્ષા કેટલી વાર રદ થઇ? જવાબઃ આ પરીક્ષા બીજી વખત રદ થઇ છે, અગાઉ લાયકાતનું ધોરણ બદલવાના કારણોસર સરકારે પરીક્ષા રદ કરી હતી જેનો વિરોધ થતાં ફરી 17 નવેમ્બરે લેવામાં આવી હતી જે ગેરરીતિ અને પેપર લીક થતા ફરી રદ થઇ છે પ્રશ્નઃ હવે આ કેસમાં કેટલી તપાસ કરવાની બાકી છે? જવાબઃ સીટે એફએસએલના રિપોર્ટ બાદ પ્રાથમિક અહેવાલ આપ્યો છે. સમગ્ર પ્રકરણમાં કોની શું ભૂમિકા હતી, પેપર લીક થવા પાછળ કોનો હાથ છે તે તમામ બાબતોની વિસ્તૃત તપાસ થશે અને હવે ક્રાઇમ બ્રાન્ચ તથા એટીએસ પણ જોડાશે પ્રશ્નઃ કસૂરવાર કોણ અને શું પગલાં લેવાશે? જવાબઃ પેપર લીક પાછળ કોની સંડોવણી છે તે સુધી હજુ સીટ કે સરકાર પહોંચી શકી નથી. ગેરરીતિ પ્રકરણમાં ઉમેદવારો, કેન્દ્ર સંચાલકો અને નિરીક્ષકોની ભૂમિકા નક્કી કરીને એફઆઇઆર દાખલ થશે. ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવાશે.