રાજ્ય સરકારનો નિર્ણય, 20 નવે.થી 16 ચેકપોસ્ટ નાબૂદ, 221 ITI - 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ નીકળશે

4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
ચેકપોસ્ટ પર રૂ. 332 કરોડની આવક હતી, જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે - Divya Bhaskar
ચેકપોસ્ટ પર રૂ. 332 કરોડની આવક હતી, જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે
  • 15 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે.
  • દંડ ઈ ચલણથી વસૂલવામાં આવશે
  • માર્ગદર્શન-ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર પર રજૂઆત કરી શકાશે

અમદાવાદઃ રાજ્ય સરકારે આજે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં 20 નવેમ્બરથી 16 ચેક પોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. તેમજ 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. 15 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આમ હવે નાગરિકોને આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં. 

વાહન ચાલકો ટેક્સ અને ફીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે
વાહન ચાલકો ટેક્સ અને ફી parivahan.gov.in પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ચેકપોસ્ટ પર રૂ. 332 કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઓવર ડાયમેન્શન અને કાર્ગો માટેના વાહન અને માલની મુક્તિની જોગવાઈ મુજબ ઓનલાઈન ફી ચૂકવી મુક્તિ મેળવી શકશે. આ પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડ્યુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. તેમજ દંડ ઈ ચલણથી વસૂલવામાં આવશે.

ઓનલાઇન સેવામાં સાત સેવાનો ઉમેરો
મુખ્યમંત્રીએ જણાવ્યા મુજબ, ઓનલાઇન સેવામાં નવી સાત સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ડુપ્લિકેટ આર.સી. બુક સહિતના કામો ઓનલાઇન થશે. આ માટે જે તે વ્યક્તિએ ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. હાલ ગુજરાત સરકાર પાસે 2010 પછીનો વાહનોનો તમામ ડેટા ઉપલબ્ધ છે. આગામી ત્રણ મહિનામાં 2001 થી 2010 સુધીનો ડેટા પણ ઉપલબ્ધ બનશે. એટલે કે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ બનશે.

વાહન ચાલકો હેલ્પલાઈન નંબર અને વેબસાઈટ પરથી માર્ગ દર્શન મેળવી શકશે 
રાજ્ય સરકાર મુજબ, આ નિર્ણયને કારણે ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો જોવા મળશે અને ધંધા રોજગારમાં ગતિ આવશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. તેમજ 40 લાખ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત વાહન ચાલકો માર્ગદર્શન અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર(079)23257808 અને 23251369 પર રજૂઆત કરી શકશે. તેમજ ઈમેલ અને વેબસાઈટ cot.gujarat.gov.in પરથી વધારાની માહિતી મેળવી શકશે.

ઇ-ચલણની કાર્યવાહી
આર.ટી.ઓ. ચલણની કામગીરી મેન્યુઅલ પધ્ધતિને બદલે તા. 20 નવેમ્બર 2019થી ઇ-ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડીવાઇસથી થશે.
ચેકીંગ અધિકારીઓને હેન્ડ હેલ્ડ ડીવાઇસીસથી સુસજજ કરવામાં આવશે. 
હેન્ડ હેલ્ડ ડીવાઇસના ઉપયોગ દ્વારા આર.ટી.ઓ.ની. કામગીરીમાં પારદર્શકતા, કાર્યક્ષમતા આવશે. એન્ફોર્સમેન્ટની કામગીરી મનસ્વીપણે નહીં થઇ શકે. ગુનાવાર દરોની ગણતરી ઓટોમેટીક થશે. દંડ કરવાની કાર્યવાહીમાં મનઘડત રીતે કરી શકશે નહીં.

ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન સંબંધિત આ સેવાઓ માટે આરટીઓએ જવું નહીં પડે
હાલમાં વાહનની નોંધણી, ફેન્સી નંબરો, સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ, વાહનનું એન.ઓ.સી., ટેક્ષ અને ફી ની ચૂકવણી સહીત કુલ 25 લાખ લોકો આર.ટી.આો. કચેરી રૂબરૂ આવ્યા સિવાય ઘેરબેઠાં આ સેવાનો લાભ મેળવી રહ્યા છે.  હાલની 25 લાખ અને આજે જાહેર કરવામાં આવનાર સેવાઓ દ્વારા 17 લાખ મળી કુલ 42 લાખ લોકો વર્ષમાં આર.ટી.ઓ. કચેરી ખાતે આવતાં ઓછાં થશે. 
- ડ્રાઇવિંગ લાયસન્સનું રીન્યુઅલ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સની માહિતી, ડ્રાઇવીંગ લાયસન્સનું રીપ્લેસમેન્ટ. 
- વાહન માટે ડુપ્લીકેટ આર.સી.,  વાહન સંબંધિત માહિતી અને હાઇપોથીકેશન રીમુવલની કામગીરી. 
- આ 7 સેવાઓનો લાભ દર વર્ષે 17 લાખ લોકોને મળશે. લોકોનો સમય, શકિત અને સંશાધનોનો બચાવ થશે. 
- અરજદારનો વાહન અને લાયસન્સ સંબંધિત સેવાઓ માટે પોતાના મોબાઇલથી One Time Password મેળવવાનો રહેશે. 

કઈ કઈ આરટીઓ ચેકપોસ્ટ બંધ કરાશે
રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે.

ચેકપોસ્ટ નાબૂદીના નિર્ણય પછીના 6 મહત્ત્વના સવાલ
1. ભ્રષ્ટાચાર કેવી રીતે અટકશે? 
સરકાર દાવો કરે છે કે ચેકપોસ્ટ ઉપર કોઇ અધિકારી- કર્મચારી નહીં હોવાથી તે ખોટી રીતે પૈસા લઇ શકશે નહીં. ફ્લાઇંગ સ્ક્વૉડ કરપ્શન કરે નહીં એ માટે તેમના શરીરે કેમેરા ફીટ હશે, તેઓ હેન્ડ હેલ્ડ ડિવાઇસથી ચલાન વસૂલશે તથા તેમના વાહનમાં જીપીએસ ટ્રેકર હશે. 
2. દારૂ ભરેલાં વાહનો ઘૂસી જશે?
પોલીસની ચેકપોસ્ટ યથાવત રહેશે તેથી દારૂ અંગેની ચકાસણી તો થશે જ.
3. ટ્રકચાલકો, ટ્રાન્સપોર્ટરોને શું અસર થશે? રોજ કેટલો ટ્રકો પસાર થાય છે?
ચેકપોસ્ટ પર રોજ 25 હજાર ટ્રકો પસાર થતા હતા. તેના લીધે લાંબી કતારો લાગતી અને કલાકો વેડફાતા. ચેકપોસ્ટ નાબૂદ થતા પરિવહન ઝડપી બનશે. 
4. વેરાનું ઓનલાઇન પેમેન્ટ કરી ન શકાય એમ હોય તો શું કરવું પડશે? 
વેરા, દંડ વગેરેની રકમ ઓનલાઇન ભરવાની વ્યવસ્થાની સાથે સરકારે ઓફલાઇનનો પણ વિકલ્પ આપ્યો છે. ટ્રકચાલક કોઇપણ આરટીઓ કચેરી ખાતે જઇને રકમ ભરી શકે છે. 
5. શું ચેકપોસ્ટો બંધ થતા વેરાની 332 કરોડ રૂપિયાની આવક બંધ થઈ થશે? 
ચેકપોસ્ટ થકી હાલ 332 કરોડની આવક થાય છે પરંતુ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવકમાં કોઇપણ ઘટાડો નહીં થાય.
6. શું વાહન વ્યવહાર ઝડપી બનશે?
અશંત: કારણ કે માત્ર આરટીઓની ચેકપોસ્ટ નાબૂદ થઈ છે. પોલીસ અને સ્ટેટ ટેક્સની ચેકપોસ્ટ યથાવત છે. જેથી આ બંને ચેકપોસ્ટ વાહનો રોકશે. છતાં ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે.